બ્રેકીંગ ન્યૂઝ

લોકડાઉન ઇફેક્ટ / બે માસમાં સોનું 14%, ચાંદી 27% મોંઘી, સેન્સેક્સ-નિફ્ટીમાં 2.5-3.4 % રિટર્ન

લોકડાઉન ઇફેક્ટ / બે માસમાં સોનું 14%, ચાંદી 27% મોંઘી, સેન્સેક્સ-નિફ્ટીમાં 2.5-3.4 % રિટર્ન


  • વૈશ્વિક તેજીથી સોનું 5765,ચાંદી 9905 મોંઘી થઇ, સેન્સેક્સ 757, નિફ્ટી 294 વધ્યો
  • લોકડાઉન પૂર્ણ થયા પછી આવનાર દિવસોમાં ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ વધશે, જેથી રોકાણ વધશે
  • વૈશ્વિક સોનાની કિંમત 10.78 ટકા વધી
  • વેલ્યુ મુજબ સોનાની તુલનાએ ચાંદીમાં બમણાથી વધુ તેજી

દિવ્ય ભાસ્કર

May 26, 2020, 05:24 AM IST

મુંબઇ. દેશભરમાં લોકડાઉન શરૂ થયા બાદ અત્યાર સુધી બે માસમાં સોનું 13.95 ટકા અને ચાંદી 26.67 ટકા મોંઘી થઇ છે. બીજી તરફ શેર બજારમાં મોટી ઉથલ-પાથલ વચ્ચે સેન્સેક્સે સરેરાશ 2.53 ટકા અને નિફ્ટીએ 3.36 ટકા રિટર્ન આપ્યું છે. મુંબઇમાં 20 માર્ચના રોજ સોનું પ્રતિ 10 ગ્રામ 41335 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ 37140 હતી. જે શુક્રવાર 22 મેના રોજ સોનું 47100 અને ચાંદી 47045 રૂપિયા પહોંચી છે. આમ સોનું સરેરાશ 5765 અને ચાંદી 9905 રૂપિયા મોંઘી થઇ છે. લોકડાઉન દરમિયાન સેન્સેક્સ 756.63 અને નિફ્ટી 293.80 પોઇન્ટ વધ્યાં છે.20 માર્ચના સેન્સેક્સ 29915.96 પોઇન્ટ અને નિફ્ટી 8745.45 પર બંધ હતા જે 22 મે ના રોજ સેન્સેક્સ 30672.59 પોઇન્ટ અને નિફ્ટી 9039.25 પોઇન્ટ બંધ રહ્યાં હતા. 
બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે કે કોરોના મહામારી કાબુમાં લેવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનથી દેશભરમાં જ્વેલરી વેપાર 75 ટકા સુધી ઘટ્યો છે. પરંતુ વિશ્વમાં આર્થિક અનિશ્ચિતત્તા વધતા સોનાની વૈશ્વિક કિંમતોમાં 10.78 ટકાની તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 23 માર્ચના રોજ સોનું 1567 ડોલર હતું જે 23 મે સુધીમાં 169 ડોલર વધી 1736 ડોલર પહોંચ્યું છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી છે. જો કોરોના મહામારી વધશે તો આવનાર દિવસોમાં સોનું 50000ની સપાટી ક્રોસ કરી શકે છે. 
સોના-ચાંદીમાં તેજીનો ટોન જળવાઇ રહેશે
બૂલિયન એનાલિસ્ટના મતે વિશ્વ બજારમાં સોનું વર્ષના અંત સુધીમાં 1900 ડોલર પહોંચી શકે છે. ફોરેક્સ માર્કેટમાં અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો 77 સુધી ઘટી શકે છે. જેના કારણે વર્ષ અંત સુધીમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમત 52000 પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. જ્યારે નીચામાં 47000 રૂપિયા સુધી પહોંચી શકે છે. સાપ્તાહિક ધોરણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1770 ડોલર ઉપર બંધ આપે તો 1830 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદી 18 ડોલર ઉપર બંધ રહે તો 19.70 ડોલર સુધી પહોંચી શકે છે. તેજીના મુખ્ય બે કારણોમાં લોકડાઉન પૂર્ણ થયા પછી આવનાર દિવસોમાં ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ માંગ વધશે. અનેક ઔદ્યોગિક સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રોકાણકાર સોનાની તુલનામાં ચાંદીમાં સારા રિટર્નની સંભાવના જોઇ રહ્યાં છે. ચાંદીમાં રોકાણકારો મોટા પાયે રોકાણ કરે તેવા સંકેતો છે. 
અમદાવાદમાં સોનાની તુલનાએ ચાંદીમાં બમણી તેજી
અમદાવાદમાં લોકડાઉન દરમિયાન બે માસમાં સોનું પ્રતિ 10 ગ્રામ 5500 રૂપિયાની તેજી આવી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 13000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 20 માર્ચના અમદાવાદમાં ચાંદી 37500 રૂપિયા હતી જે અત્યાર સુધીમાં સરેરાશ 33 ટકા વધી 50000ની સપાટી પહોંચી છે. લોકડાઉન પહેલા માર્ચમાં સોનાની તુલનાએ ચાંદીની કિંમત ધણી નીચી હતી જેના કારણે ગોલ્ડ સિલ્વર રેશિયો 127 ના ઓલટાઇમ હાઇ પહોંચ્યો હતો. જે અત્યારે 27 ઘટીને 100 પર પહોંચ્યો છે. આ સોનાની તુલનામાં ચાંદી મોંઘી થવાનો ઇશારો કરી રહી છે. આ રેશિયો જેટલો વધુ હોય ચાંદીની તુલનાએ સોનું મોંઘું બની રહ્યું છે. 
સામાન્ય લોકો માટે સોનાની ખરીદીનો ઉત્તમ સમય
કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાએ જણાવ્યું હતું કે, સોનામાં તેજી માગના કારણે નહિં પરંતુ રોકાણ માગથી જળવાઇ રહેશે. બેન્ક એફડી પર વ્યાજદર ઘટી રહ્યું છે. અત્યારે સોનાની કિંમત સૌથી વધુ છે પરંતુ લોકોની પાસે રોકાણ માટે આનાથી અન્ય બીજો સારો વિકલ્પ નથી.   
HNI રોકાણકારોની ગોલ્ડ કોઇનમાં ખરીદી વધશે
બીડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ નહિંવત્ રહેશે. મુખ્ય કારણ સોનાની ઉંચી કિંમત અને આર્થિક સંક્રમણ છે. તહેવારોની સિઝન શરૂ નહિં થાય ત્યાં સુધી ગ્રાહકોની માગ ઠંડી રહેવાનો અંદાજ છે. મોટા રોકાણકારોની ખરીદી ગોલ્ડ કોઇનમાં જળવાઇ રહેશે.
જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનું 50000 ક્રોસ થઇ શકે
આ સપ્તાહે અમેરિકામાં જીડીપી ત્રિમાસીક આંકડા કન્ઝ્યુમર ડ્યુરેબલની માગ સહિત વિભિન્ન આંકડા રજૂ થશે. ચીને હોંગકોંગમાં રાષટ્રીય સુરક્ષા લઇને નવો કાયદો રજૂ કર્યો છે.જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન સોનું 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી શકે છે.– કૈલાશ મિત્તલ, ટ્રેડર્સ કમિટિ, જયપૂર
લોકડાઉનમાં સોનાની તેજીના 5 મુખ્ય કારણ

  • વિશ્વના કેટલાક દેશોમાં લોકડાઉનથી આથિક ગતિવિધિઓ લગભગ ઠપ થતા
  • વિશ્વના શેર બજારમાં ઝડપી ઘટાડો, ડિપોઝિટના દરોમાં ઘટાડો આવતા
  • કોરોના મહામારી વચ્ચે અમેરિકા અને ચીનના વ્યાપારિક સંબધો બગડતા
  • વૈશ્વિક બજારમાં સોનામાં તેજી સાથે ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડો કારણભૂત
  • શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડાના કારણે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું
CATEGORIES
TAGS